દેશના પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની જયંતી 2 ઓક્ટોબરના રોજ ઉજવાય છે. તેમણે પોતાનું સમગ્ર જીવન ગરીબો અને દેશની સેવામાં સમર્પિત કર્યુ હતું. તેમનો જન્મ ઉત્તર પ્રદેશના મુગલસરાયમાં 1904માં થયો હતો. વર્ષ 1920માં શાસ્ત્રીજી આઝાદીની પહેલી લડાઈમાં જોડાઈ ગયા હતા. સ્વાધીનતા સંગ્રામમાં તેમની ભૂમિકા મહત્વની હતી. 1930 દાંડી માર્ચ અને 1942ના ભારત છોડો આંદોલનમાં પણ તેમનો સહયોગ રહ્યો હતો.
1. પૂર્વ વડા પ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીનો જન્મ 2 ઓક્ટોબર 1904 માં ઉત્તર પ્રદેશના મુગલસરાયમાં થયો હતો. જ્યારે શાસ્ત્રી 2 વર્ષના હતા ત્યારે તેમના પિતાનું અવસાન થયું હતું.
2. લાલ બહાદુર શાસ્ત્રીને કાકા સાથે રહેવા મોકલી દેવામાં હતા જેથી તેઓ ઉચ્ચ શિક્ષણ મેળવી શકે. ઘરના બધા જ તેમને નન્હે કહેતા હતા. પરંતુ તેમને શાળાએ જવા માટે ઘણા કિલોમીટર ખુલ્લા પગે ચાલવું પડતું.
3. લાલ બહાદુર શાસ્ત્રી જ્યારે માત્ર 11 વર્ષના હતા ત્યારથી દેશ માટે તેમને કંઈક કરવાનું મન બનાવ્યું હતું. 16 વર્ષની ઉંમરે તેમણે પોતાનો અભ્યાસ છોડી દીધો અને ગાંધીજીના અસહકાર આંદોલનમાં જોડાયા.
4. લાલ બહાદુર કાશી વિદ્યાપીઠમાં જોડાયા. વિદ્યાપીઠ દ્વારા તેમને આપવામાં આવેલી સ્નાતકની ડીગ્રી બાદ તેમને ‘શાસ્ત્રી’ નામ મળ્યું હતું, ત્યારથી તેમનું પૂરું નામ લાલ બહાદુર શાસ્ત્રી બન્યું.
5. મહાત્મા ગાંધી સાથે આંદોલનમાં ભાગ લેવાના કારણે તેઓ કુલ સાત વર્ષ બ્રિટીશ જેલોમાં રહ્યા હતા.
6. આઝાદી પછી તેઓ 1951માં દિલ્હી ગયા અને કેન્દ્રીય મંત્રીમંડળના ઘણા વિભાગોનો હવાલો સંભાળ્યો. તેમણએ રેલ્વે મંત્રી, પરિવહન અને સંચાર વિભાગ, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી, ગૃહમંત્રી વિભાગના પ્રધાન હતા.
7. 1964 માં જ્યારે લાલ બહાદુર શાસ્ત્રી વડાપ્રધાન બન્યા. ત્યારે તેમના શાસનકાળ દરમિયાન 1965 માં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું હતું. તે સમયે દેશમાં ભયંકર દુષ્કાળ હતો અને ખાદ્ય ચીજોની અછત સર્જાઈ હતી. આ સંકટને ટાળવા માટે તેમણે દેશવાસીઓને એક દિવસના ઉપવાસ કરવાની અપીલ કરી. તેમજ કૃષિ ઉત્પાદનમાં આત્મનિર્ભરતા માટે તેમણે ‘જય જવાન જય કિસાન’ નો નારો લગાવ્યો હતો.
8. તેમણે એકવાર તેમના માર્ગદર્શક એવા મહાત્મા ગાંધીના સ્વરમાં કહ્યું હતું કે, “સખત મહેનતએ પ્રાર્થના કરવા સમાન છે.” મહાત્મા ગાંધી જેવા જ વિચાર ધરાવતા લાલ બહાદુર શાસ્ત્રી ભારતીય સંસ્કૃતિની શ્રેષ્ઠ ઓળખ છે.
9. લાલ બહાદુર શાસ્ત્રીએ કહ્યું હતું કે, “શાસન કરનારાઓએ જોવું જોઈએ કે લોકો પ્રશાસન માટે કેવી પ્રતિક્રિયા આપે છે.”
10. 11 જાન્યુઆરી 1966 ના રોજ તેમણે તાશકંદમાં અંતિમ શ્વાસ લીધા. 10 જાન્યુઆરી 1966 ના રોજ પાકિસ્તાન સાથે શાંતિ અંગેના કરારના કર્યાના માત્ર 12 કલાક પછી તાશકંદમાં અચાનક તેમનું અવસાન થયું. તેમનું મૃત્યુ આજે પણ એક રહસ્ય સમાન છે.