ઉમરેઠ તાલુકાના ભાલેજ ખાતે બે દિવસ પહેલાં ૧૬ વર્ષીય કિશોરીની લાશ રહસ્યમય સંજોગોમાં મળી આવી હતી. પોલીસે લાશનો કબજો લઈ તેનું પી.એમ. કરાવતાં રિપોર્ટમાં તેણી સાથે જાતીય કુકર્મ કરી માથામાં બોથડ પદાર્થ મારી હત્યા કરી હોવાનું ખુલતાં ભારે ચકચાર મચી જવા પામ્યો છે તથા સમગ્ર ભાલેજ સહિત ઉમરેઠ પંથકમાં ભારે રોષની લાગણી છવાઈ જવા પામી છે. ત્યારે ભાલેજ પોલીસે આ ઘટના સંદર્ભે તપાસનો ધમધમાટ તેજ કરી દીધો છે.
આ ઘટના અંગેની પોલીસ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર આણંદ નજીક ઉમરેઠ તાલુકાના ભાલેજ ખાતે બે દિવસ પહેલા ગામના જ વાવ તળાવમાંથી એક કિશોરીની લાશ મળી આવતાં ભાલેજ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી તથા કિશોરીની લાશનો કબજો લઈ તેની પ્રાથમિક તપાસ હાથ ધરતાં કિશોરી ભાલેજ ગામની નગીના મસ્જીદ પાસે રહેતી અકસાબાનું નિસાર અહેમદ મલેક ઉ. ૧૬ હોવાનું જાણવા મળ્યું હતું. અકસાબાનુંના પિતા રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમના પરિવારમાં બે પુત્રીઓ અને એક પુત્ર છે જેમાં ૧૬ વર્ષીય અકસા સૌથી મોટી પુત્રી હતી. અકસાબાનું બે દિવસ પહેલા ઘરેથી રહસ્યમય રીતે ગુમ થઈ ગઈ હતી.
ત્યાર બાદ આ ઘટના બનતાં ભારે ચકચાર મચી જવા પામી છે. પોલીસે અકસાના મૃતદેહનું કરમસદ શ્રીકૃષ્ણ હોસ્પીટલ ખાતે પેનલ ડૉક્ટર દ્વારા પી.એમ. કરાવ્યું હતું. જેમાં પીએમનો રિપોર્ટ આવતાં કિશોરીના માથામાં બોથડ પદાર્થ માર્યો હોવાનું જાણવા મળ્યું હતું તથા તેણીના ગુપ્ત ભાગે પણ શંકાસ્પદ જણાતા તેણી સાથે જાતીય અત્યાચાર ગુજારવામાં આવ્યો હોવાનું તેમજ હત્યા કરી લાશને તળાવમાં નાખી દીધી હોવાનું ખુલવા પામ્યું હતું. ધો. ૧૧માં અભ્યાસ કરતી કિશોરી અકસા બે દિવસ પહેલાં રાત્રીના સમય દરમ્યાન ઘરેથી રહસ્યમય રીતે ગુમ થઈ ગઈ હતી.
જ્યારે ત્રીજા દિવસે તેણીની લાશ ગામના તળાવમાંથી મળી આવી હતી. આ સમગ્ર મામલે ભાલેજ પોલીસે ગુનો દાખલ કરી તપાસનો ધમધમાટ તેજ કરી દીધો છે તથા શંકાસ્પદ લોકોની પુછપરછ સાથે તપાસ હાથ ધરતાં એક શખ્સને પણ ઉઠાવ્યો હોવાનું જાણવા મળેલ છે.