Breaking

આણંદ / વિદ્યાનગરમાં કોલેજિયન યુવતીનું કારમાં અપહરણ કરી દુષ્કર્મ ગુજારાંતાં ફરિયાદ

By

November 19, 2019

આણંદ: શિક્ષણનગરી વિદ્યાનગરમાં ત્રણ દિવસ અગાઉ શિક્ષણજગતને લાંછન લાગે તેવી ઘટના બનતા તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. જેમાં કોલેજમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિનીનું એક યુવકે અપહરણ કરી તેના પર દુષ્કર્મ ગુજાર્યું હતું. વધુમાં તેના ફોટા વાઈરલ કરી દેવાની ધમકી આપી હતી. આ મામલે વિદ્યાનગર પોલીસે અપહરણ અને દુષ્કર્મની કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. વિદ્યાનગરમાં હોસ્ટેલમાં રહીને વિદ્યાનગરની એક કોલેજમાં બીએસસીના બીજા વર્ષમાં અભ્યાસ કરતી મૂળ તાપીના ઉકાઈની 19 વર્ષીય યુવતી ગત 15મીના રોજ બપોરે ચાર વાગ્યે કોલેજથી હોસ્ટલ તરફ ચાલતા-ચાલતાં જઈ રહી હતી. દરમિયાન, રાણેક હોસ્ટેલ તરફ જવાના રોડ પર પહોંચી ત્યારે કારમાં આવી ચઢેલા ડેમોલના કિશન બચુ રાઠવાએ તેણીનો હાથ પકડીને જબરદસ્તીથી કારમાં બેસાડી દીધી હતી અને ધાકધમકી આપી તેને અજ્ઞાત સ્થળે લઈ ગયો હતો. જ્યાં તેની મરજી વિરૂદ્ધ તેણે દુષ્કર્મ ગુજાર્યું હતું. દરમિયાન, તેણે તેને જો તે આ વાત કોઈને કહેશે તો તેના ફોટા વાઈરલ કરી બદનામ કરી દેવાની ધમકી આપી હતી. જેને પગલે યુવતી ભયભીત થઈ ગઈ હતી. આ મામલે યુવતીએ વિદ્યાનગર પોલીસ સ્ટેશને યુવક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે અપહરણ, દુષ્કર્મની કલમ હેઠળ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસસૂત્રોના જણાવ્યા અનુસાર, 24 વર્ષીય યુવક બાકરોલ-વડતાલ સ્થિત યોગીકૃપા બેકરીમાં નોકરી કરતો હતો અને તે તેણીના વર્ષ 2015થી પરિચયમાં હતો. હાલમાં પોલીસ દ્વારા યુવક કોણ છે અને તે જે કારમાં તેણીને લઈ ગયો હતો તે કાર કોની માલિકીની છે તેની તપાસ હાથ ધરી છે. હાલમાં યુવક ધરપકડથી દૂર છે.