મીકા સિંહ પર 17 વર્ષિય બ્રાઝીલિયન મૉડલે જાતિય શોષણનો આરોપ લગાવ્યો છે. આ ઘટના બાદ દુબઈ પોલીસે ગુરૂવારે સવારે મીકા સિંહને કસ્ટડીમાં લીધો હતો. જો કે હવે મીકા સિંહને છોડી મુકવામાં આવ્યો છે. મિકા સિંહને આજે કૉર્ટમાં રજૂ કરવામાં આવશે. UAEમાં ભારતીય રાજદૂત નવદીપ સુરીએ કહ્યું કે, “મીકા સિંહને ગુરૂવારે રાત્રે છોડી મુકવામાં આવ્યો હતો.” તેમણે કહ્યું, “તેમને ગુરૂવારે હિરાસતમાં લેવામાં આવ્યા હતા અને અબૂ ધાબી લઇ જવામાં આવ્યા હતા. અમને ગુરૂવારે સાંજે 5 વાગ્યા આસપાસ આ વિશે ખબર પડી. અમે અમારી એક ટીમ તેમની પાસે મોકલી અને અધિકારી સાથે વાતચીત કરી. રાત્રે 11.30 વાગ્યે મીકાને પોલીસ કસ્ટડીમાંથી છોડી મુકવામાં આવ્યો હતો. આજે તો કૉર્ટમાં રજૂ થશે.” એક સીનીયર અધિકારીનાં જણાવ્યા અનુસાર, “આવા કેસની તપાસ પૂર્ણ થવા સુધી પાસપૉર્ટ જપ્ત કરી લેવામાં આવે છે.” ભારતીય એજન્સી બંને પક્ષનાં સંપર્કમાં છે. મીકાએ કૉર્ટમાં પોતાનો પક્ષ રજૂ કરવા માટે એક વકીલ હાયર કર્યો છે.
ઉલ્લેખનીય છે કે બ્રાઝીલિયન યુવતીએ મીકા પર વાંધાજનક તસવીરો મોકલવાની ફરિયાદ કરી હતી, ત્યારબાદ મીકા સિંહને દુબઈમાં ગુરૂવાર સવારે 3 વાગ્યે કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. મીકા પોતાના સિંગિંગ પરફૉર્મેન્સ માટે દુબઈ ગયો હતો. બીજી તરફ, મીકાનાં આ સમાચારોથી રાખી સાવંત ચિંતિત છે. રાખીએ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક વિડીયો શેર કર્યો છે. જેમાં તે કહી રહી છે કે, “મીકા તુ આટલા લફડા કરે છે ને, હવે હું આવી રહી છું તને છોડાવવા. હું દુબઈનો વિઝા શોધી રહી છું.” તો પોતાની યૂટ્યૂબ ચેનલ પર રાખીએ મીકાને બોલતા કહ્યું કે, “તમે મારા દોસ્ત છો, કેમ મારી ઇજ્જત સાથે રમી રહ્યા છો.”
આ સાથે રાખી પોતાની સાથે થયેલી 10 વર્ષ જુની ઘટનાને પણ યાદ અપાવવાનું ભૂલી નહોતી. તેણે કહ્યું કે, “તમને ખબર છે ને કે આ દુબઈ પોલીસ છે, મુંબઈ પોલીસ નથી. 10 વર્ષ પહેલા જ્યારે મે મુંબઈ પોલીસમાં ફરિયાદ કરી હતી, ત્યારે કંઇપણ નહોતી કરી શકી, પરંતુ દુબઈ પોલીસ આવુ નહીં કરે. ત્યાંની પોલીસ ઘણી સ્ટ્રોંગ છે.” રાખીએ મીકાને પુછ્યું કે, “તમારો પ્રોબ્લેમ શું છે? તમે કેમ 17 વર્ષની છોકરીની છેડતી કરી? ક્યારેક કોઇકને થપ્પડ મારી દો છો. આટલા વિવાદ કેમ કરો છો? મને ઘણી તકલીફ થાય છે. કેમ છોકરીઓની છેડતી કરો છો?”