નવલખીમાં સગીરા પર ગેંગરેપ થયાના ૧૦ દિવસ પહેલા જ રાતે એક યુવતીને વાસના ભૂખ્યા વરૃઓએ પીંખી નાંખી હોવાની ચર્ચાએ જોર પકડયું છે. યુવતી બ્રીજ પરથી અકોટા તરફ હાફળી – ફાફડી થઈ ભાગી હતી. જ્યાં કેટલાક યુવકોને તેણે પોતાની સાથે બનેલી ભયાનક ઘટનાની જાણ તેઓ તાડબડોબ નવલખી ખાતે દોડી આવ્યા હતા, પરંતુ હવસખોરો સ્થળ પરથી ભાગી ગયા હતા.
યુવતીએ છેલ્લી ઘડીએ ફરિયાદ કરવાની ના પાડતાં ફરી એક વખત દુષ્ટો સમાજમાં ખુલ્લા ફરતાં થઈ ગયા છે.આ બાબત પોલીસ સુધી પણ પહોંચી હતી, પરંતુ પોલીસ સમર્થન આપતી નથી.
નવલખી મેદાનમાં ગોલ્ફ કોર્સ પાસેનો વિસ્તાર એકદમ ઉજ્જડ અને વિરાન હોવાથી ૬ થી ૭ ફૂટ ઉંચી દિવાલ કરી લેવામાં આવી છે, પરંતુ એક જગ્યાએ દિવાલ તોડી રસ્તો કરી દેવાયો છે. આ રસ્તો સીધો મુજમહુડા પાસેના બ્રીજ પાસે નીકળે છે.
આ આખા રસ્તા પર દુર-દુર સુધી ઝાડી – ઝાંખરા સિવાય બીજુ કંઈ નથી. જેમાં અનેક પ્રકારના જીવ જંતુઓ પણ વાસ કરે છે. ખરેખર, દિવસે પણ જતાં ડર લાગે તેવી આ બિહામણી જગ્યા છે. માણસ અંદર ભુલા પડી જાય તો પણ જલ્દીથી મળે, નહીં તેવી આ જગ્યા મોડીસાંજ પછી શિકારની શોધમાં ફરતાં વાસના ભૂખ્યા વરૃઓનો અડ્ડો બની ગઈ છે.
આ નિર્જન જગ્યાની આસપાસ અત્યાર સુધીમાં અનેક યુવતીઓની ઈજ્જતની લીલામી થઈ છે, પરંતુ આબરૃ જવાના ડરે કોઈ બહાર આવતું નથી અને તેનો રેપીસ્ટો આબાદ ફાયદો ઉઠાવી રહ્યાં છે. જેનું ઉદાહરણ વર્ષ ૨૦૧૮માં યુવતી સાથે બનેલી ઘટના છે. બોયફ્રેન્ડ સાથે બેઠેલી યુવતીને પોલીસ તરીકને ઓળખ આપી ત્રણ શખસો ખેંચી ગયા હતા. તે પછી તેની સાથે ગંદી હરકતો કરી હતી.
ત્યારબાદ યુવતી અને તેના બોયફ્રેન્ડ પાસેથી મોબાઈલ ફોન, પર્સ અને ઘરેણાંની લૂંટ કરી ત્રણેય ગુનેગારો નાસી છુટયા હતા. આ ઘટના ભલે દબાઈ ગઈ, પરંતુ તે કાળા દિવસને યુવતી ક્યારેય નહીં ભુલે, તે વાત ચોક્કસ છે. આ યુવતીએ તેની સાથે બનેલી સાચી ઘટનાની ફરિયાદ નહીં કરતાં દુષ્ટો સમાજમાં ભયમુક્ત ફરતાં થઈ ગયા. આ કથિત ઘટના બાદ તાજેતરમાં જ વધુ એક યુવતી હવસખોરોનો શિકાર બની હતી. તેને બ્લડીંગ પણ થઈ ગયું હોવાની ચર્ચાએ જોર પકડયું છે.
આરોપીઓની ચુંગલમાંથી છુટેલી યુવતી અકોટા – દાંડિયાબજાર બ્રીજ પર થઈ અકોટા તરફ ભાગી હતી. એકદમ ડરી ગયેલી યુવતીએ કેટલાક લોકો પાસે મદદ માંગી હતી. તેના ચહેરા પરનો ડર જોઈ યુવકોએ યુવતીને સાંત્વના આપ્યા બાદ નવલખી ખાતે આવ્યા હતા
પરંતુ ત્યાંથી કોઈ મળ્યું ન હતું. દરમિયાન યુવતીએ પોલીસ ફરિયાદ કરવાની ના પાડતાં મામલો દબાઈ ગયો હતો. આ ઘૃણાસ્પદ ઘટનાના ૧૦ દિવસ બાદ ગત ગુરૃવારે રાતે ૧૪ વર્ષની કિશોરીને બે હવસખોરોએ પીંખી નાંખી હતી. આ જદ્યન્ય અપરાધની પોલીસ ફરિયાદ થયા બાદ આખુ પોલીસ તંત્ર બંને ગુનેગારોને પકડવા દોડધામ કરી રહ્યું છે, પરંતુ હજુ સુધી કોઈ ચોક્કસ કડી મળી નથી.