કિર્તેશ પટેલ, સુરત : ઓડિશાથી સુરત રોજગારી અર્થે દેલાડ ગામે આવીને રહેતા પરિવારની મહિલાને વતનના ગામનો ઓળખીતો પરિણીત યુવાને મહિલાને વિશ્વાસમાં લઈને ભગવાનના પ્રસાદના લાડુમાં ઘેનયુક્ત પદાર્થ ખવડાવી દીધો હતો. પરિણીત મહિલા બેભાન થઇ જતા તેની સાથે મરજી વિરુધ્ધ દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે યુવક સામે પરિણીતાના નગ્ન અને અશ્લીલ વીડિયો બનાવી વાયરલ કરવાની ધમકી આપી એક વર્ષ સુધી વારંવાર બ્લેકમેઇલ કરી દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધવામાં આવી છે. ફરિયાદમાં યુવકે બ્લેકમેઈલ કરી મહિલાને કહ્યું હતું કે, હું મારી પત્નીને મારી નાખીને તને મારી પત્ની તરીકે રાખીશ.
મૂળ ઓડિશાનું દંપતી રોજગારી માટે ઓલપાડ તાલુકાના દેલાડ ગામે એક આવ્યું હતું. આ પરિવારની મહિલા તેના પતિ અને બાળકો સાથે રહે છે. ઓડિશાના પાતપુર ગામનો વતની સુશાંત પ્રફુલ પરીડા ક્યારેક ક્યારેક ગામની મહિલાના ઘરે આવતો હતો. 26મી મે 2018ના રોજ મહિલાનો પતિ નોકરી પર ગયો હતો ત્યારે સુશાંત આવ્યો હતો અને ભગવાનનો પ્રસાદ હોવાનું જણાવી ઘેનયુક્ત લાડુ ખવડાવી દીધા હતા. લાડુ ખાતા જ મહિલા ચક્કર ખાઈને બેભાન થઇ ગઇ હતી. યુવકે તેનો લાભ ઉઠાવી મહિલાને સંપૂર્ણ નગ્ન કરી તેની તસવીરો ક્લિક કરી લીધી હતી તેમજ તેની સાથે આચરેલા દુષ્કર્મનો વીડિયો બનાવી લીધો હતો.
બીજા દિવસે પણ સુશાંત મહિલાના ઘરે આવ્યો હતો અને તેને નગ્ન તસવીરો અને વીડિયો બતાવ્યા હતા. સાથે સુશાંતે મહિલાને કહ્યુ હતું કે, “હું મારી પત્નીને મારી નાખીશ અને તને મારી પત્ની તરીકે રાખીશ. જો તું મારી ઈચ્છા પ્રમાણે શરીર સંબંધ નહીં રાખે તો અશ્લીલ વીડિયો ફેસબુક પર વાયરલ કરી દઈશ.” સુશાંતે મહિલાને આવી રીતે બ્લેકમેઇલ કરીને એક વર્ષ સુધી તેની ઇચ્છા વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું.
પતિને મારી નાખવાની ધમકી : મહિલાએ સુશાંતને અનૈતિક શરીર સંબંધ ન રાખવા અનુરોધ કરતા તેણે શારીરિક અને માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. અને જો તે કહે તે પ્રમાણે ન કરે તો મહિલાના બંને છોકરા અને તેના પતિને જીવથી મારી નાખવાની ધમકી આપી હતી. સાથે રૂ. 30 લાખની માગણી કરી હતી. સતત ધમકી અને ત્રાસથી કંટાળીને મહિલા આખરે પોતાના વતન ઓડિશા ચાલી ગઈ હતી. મહિલાએ આ વાત તેમના પરિવારના લોકોને કહેતા ઓડિશામાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ ફરિયાદ બાદમાં સુરતમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી.