અમદાવાદમાં નવરાત્રિ ટાણે શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં રહેતી 23 વર્ષીય યુવતી છેલ્લા 3 દિવસથી ગુમ થઇ હોવાના સમાચારે ભારે ચર્ચા જગાવી છે. અમદાવાદની યુવતી ગુમ થતા બૉલીવુડની અભિનેત્રી સોહા અલીખાને ચિંતા વ્યક્ત કરીને યુવતીનો ફોટા સાથે ટ્વિટ કરીને શોધવા માટે લોકોને અપીલ કરી છે.
આ ઘટનામાં એવું જાણવા મળી રહ્યું છે કે વસ્ત્રાપુરની ગુમ યુવતી વૃષ્ટિ તેના બોયફ્રેન્ડ સાથે ગુમ થઇ હોવાની ચર્ચા ચાલી રહી છે. ગુમ વૃષ્ટિનો ફોન પણ બંધ આવી રહ્યો છે. હાલ તેના માતાપિતા સહિત પરિવાર ખુબ જ ચિંતિત છે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે, ફિલ્મ એક્ટ્રેસ સોહાઅલીખાને નવરંગપુરાની વસંતવિહાર સોસાયટીમાંથી ગુમ 23 વર્ષીય વૃષ્ટિ વિરલ કોઠારીને શોધવા માટે ગુજરાત પોલીસ ટેગ કરતું ટવીટ કરતાં એક લાખથી વધુ લોકોએ આ ટ્વીટ જોયું છે. આ ટ્વિટ બાદ વૃષ્ટી અને તેનો બોયફ્રેન્ડ શિવમ એક સાથે ગૂમ થયાનું અનુમાન પોલીસ કરે છે. જો કે, બંનેની ગૂમ થયાની ફરિયાદ અલગ અલગ થઈ છે. જો કે, બંને સાથે રિક્ષામાં બેસીને ગયા હોવાની વિગત પોલીસ તપાસમાં ખુલી છે.
નવરંગપુરાની વસંતવિહાર સોસાયટીમાં રહેતાં શિવમ વિક્રાંત પટેલ (ઉં,24)ના ઘરે વૃષ્ટિ (ઉં,23)ને તેનો ડ્રાઈવર ગત તા.૩૦મીએ મુકી આવ્યો હતો. તે પછી વૃષ્ટિને તેના ડ્રાઈવરે પરત લેવા જવા માટે ફોન કર્યો પરંતુ ફોન સ્વીચ ઓફ આવતો હતો. આથી ડ્રાઈવરે વૃષ્ટિના માતા-પિતાને જાણ કરતાં તેઓએ શિવમના ઘરે તપાસ કરવા કહ્યું હતું.
જો કે, શિવમના ઘરે વૃષ્ટિ ન હોવાથી ડ્રાઈવરે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ નોંધ કરાવી હતી. એસ.વાય.બીકોમમાં અભ્યાસ કરતી વૃષ્ટિના માતા-પિતા પોર્ટુગલના પ્રવાસેથી પરત ફર્યા તે પછી તે શિવમના ઘરે બે દિવસ રોકાવા માટે ગઈ હતી.
બીજી તરફ અમેરિકા ખાતે રહેતાં શિવમના માતા-પિતાને તેમનો પુત્ર ગૂમ થયાની જાણ થતાં તેઓએ પણ તેમના સંબંધી મારફતે પુત્રના ગૂમ થયાની ફરિયાદ ગુરૂવારે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં કરી છે. પોલીસને શિવમના ઘરે કામ કરતાં કુકે જણાવ્યું છે કે, વૃષ્ટિ અને શિવમ બંને રિક્ષામાં બેસીને સાથે ગયા છે.

