અલ્ટ્રાવાયલોટ કિરણો ચામડી ને નુકસાન કરે છે. એથ્લિટ્સ સૂર્યકિરણ સાથે આવતા અલ્ટ્રાવાયલોટ કિરણોના સંપર્કમાં વધારે રહેતા હોય છે. તેનાથી સ્કિન કેન્સરનું જોખમ રહેલું છે. અમેરિકાની પેન્ન યુનિવસિર્ટી દ્વારા કરવામાં આવેલા એક રિસર્ચમાં આ વાત પુરવાર થઇ છે. રિસર્ચમાં સામેલ લીડ રિસર્ચર લેરી કેની જણાવે છે કે, ‘આઉટ ડોર એક્ટિવિટી સાથે સંકળાયેલા એથ્લિટ્સએ સૂર્યકિરણોથી રક્ષણ મેળવવાની ખાસ આવશ્યકતા છે’

રિસર્ચમાં સામેલ એથ્લિટ્સમાંથી 25%થી પણ ઓછા એથ્લિટ્સ સન સ્ક્રીનનો ઉપયોગ કરતા જોવા મળ્યા હતા. આઉટડોર એક્ટિવિટીમાં સામેલ એથ્લિટ્સને ગરમીમાં અલ્ટ્રાવાયલોટ કિરણોનું જોખમ 7 ગણું વધી જાય છે. અલ્ટ્રાવાયલોટ રેડિએશનની વેવલેન્થ UV-A (320-400 nm), UV-B (290-320 nm) અને UV-C (200-290 nm) પ્રકારની હોય છે. UV-A પ્રકારની વેવલેન્થમાં અલ્ટ્રાવાયલોટ કિરણોનો 95% ભાગ હોય છે. UV-A ચામડીની અંદર સુધી જવા માટે સક્ષમ છે જ્યારે UV-Bની ઓછી વેવલેન્થને લીધે તે ચામડીની અંદર પ્રવેશ કરી શકતા નથી.

