શિલ્પા શેટ્ટીની બહેનને બાઇકસવારોએ બોલ્યા અભદ્ર શબ્દો, ડ્રાઇવરને માર્યો માર

ફિલ્મ અભિનેત્રી શમિતા શેટ્ટી એક રોડ અકસ્માતને લઇને અત્યારે ચર્ચામાં છે. આ અકસ્માતમાં 3 લોકોએ તેને અભદ્ર શબ્દો કહ્યા હતા અને તેના ડ્રાઇવરને માર માર્યો હતો. આ ઘટના મુંબઈનાં થાણેમાં આવેલા વિવયાના મૉલની પાસે મંગળવારે બની હતી. આ બનાવ શમિતાની કાર સાથે એક બાઇકસવાર ટકરાતા બન્યો હતો. ઉલ્લેખનીય છે કે શમિતા અભિનેત્રી શિલ્પા શેટ્ટીની બહેન છે.

 

 

મંગળવારનાં બપોરે અઢી વાગ્યે એક બાઇકસવાર શમિતાની કાર સાથે ટકરાતા ઝઘડો થયો હતો. આ દરમિયાન બાઇકસવારનાં બે અન્ય સાથીઓએ શમિતાને અપશબ્દો કહ્યા હતા અને પછી ડ્રાઇવરને માર માર્યો હતો. અભિનેત્રીએ પોલીસ સ્ટેશનમાં ત્રણેય આરોપીઓ વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી છે. ડ્રાઇવરનાં બાઇકનાં ડિટેલનાં આધારે ત્રણેય આરોપીઓની ઓળખ કરવામાં આવી છે. ડ્રાઇવરે પોલીસને આપેલા પોતાના નિવેદનમાં જણાવ્યું કે ત્રણેય આરોપીઓએ તેને થપ્પડ મારી હતી અને પછી મારી નાંખવાની ધમકી આપીને ભાગી ગયા હતા.

 

 

પોલીસે ત્રણેય આરોપીઓ સામે આઈપીસીની કલમ 279, 323, 504, 427 અને 34 અંતર્ગત કેસ નોંધી લીધો છે. પોલીસે જણાવ્યું કે, “ફરિયાદ નોંધી લેવામાં આવી છે અને આરોપીનાં વાહનની પણ ઓળખ કરવામાં આવી છે.” જણાવી દઇએ કે તાજેતરમાં શમિતા ટીવી રીયાલિટી શૉ ‘ખતરોં કે ખિલાડી-9’માં જોવા મળી હતી. શમિતા અત્યારે ફિલ્મોથી દૂર છે. તે સુપરહિટ ફિલ્મ ‘મોહબ્બતેં’ ઉપરાંત ‘ઝહેર’, ‘કૈશ’ અને ‘મોહબ્બત હો ગઈ હૈ તુમસે’માં જોવા મળી હતી.

(Visited 31 times, 1 visits today)