શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શાહીબાગ વિસ્તારમાં એક 16 વર્ષની કિશોરીએ બાળકીને જન્મ આપ્યો છે. સિવિલ હોસ્પિટલમાં દાખલ થયેલી કિશોરી અંગે પૂછપરછ કરવામાં આવતા જાણવા મળ્યું હતુ કે તેના સગા ફઈના છોકરાએ તેણી સાથે બળાત્કાર ગુજાર્યો હતો. જે બાદમાં કિશોરીને ગર્ભ રહી જતાં તેણીએ બાળકને જન્મ આપ્યો હતો.
પોલીસે આ મામલે કિશોરીના પિતાની ફરિયાદ લઈને તપાસ શરૂ કરી છે. પોલીસના કહેવા પ્રમાણે સાત મહિના પહેલા કિશોરીની માતાનું નિધન થયું છે.
વિગતે વાત કરીએ તો રવિવારે રાત્રે એક પરિવાર કિશોરીને લઈને સિવિલ હોસ્પિટલમાં આવ્યો હતો. અહીં કિશોરીએ બાળકને જન્મ આપ્યો હતો. સિવિલ ખાતે હાજર સ્ટાફે આ અંગેની જાણ પોલીસને કરી હતી. પોલીસ તપાસમાં માલુમ પડ્યું હતું કે બાળકને જન્મ આપનારી કિશોરી સાથે તેના ફઇના દીકરાએ એક વર્ષ સુધી સંબંધ રાખ્યા હતા.
કિશોરી જ્યાં રહેતી હતી ત્યાં આરોપી અવાર-નવાર આવતો હતો અને તેની મામાની દીકરી પર જ બળાત્કાર ગુજારતો હતો. આ મામલે પોલીસે હાલ આરોપીની ધરપકડ કરી લીધી છે. આ મામલે F ડિવિઝનના ACP જે.કે. ઝાલાનું કહેવું છે આરોપીનો DNA ટેસ્ટ કરવામાં આવશે. આ ઉપરાંત સાંયોગિક પુરાવા માટે FSLની પણ મદદ લેવામાં આવશે.