ભરતસિંહ વાઢેર, વલસાડ : રાજ્યના પડોશમાં આવેલા સંઘપ્રદેશ દમણમાંથી ગુજરાતમાં દારૂની હેરફેર પર પોલીસે લાલ આંખ કરતા હવે ભેજાબાજ બુટલેગરો અવનવી તરકીબો અજમાવી રાજ્યમાં દારૂ ઘૂસાડે છે. કેટલીક વખત આવાં ભેજાબાજ બુટલેગરોની કરતબને કારણે પોલીસે દારૂ શોધવા માટે નાકે દમ પણ આવી જાય છે. આવો જ એક કિસ્સો વલસાડમાં પ્રકાશમાં આવ્યો છે. અહીં પોલીસે કારમાં છૂપાવેલો વિદેશી દારૂનો જથ્થો કાઢવા માટે કલાકો સુધી પરસેવો પાડ્યો હતો.
મળતી માહિતી પ્રમાણે વલસાડ નજીક હાઇવે પર વલસાડ રૂરલ પોલીસ વોચમાં હતી આ સમયે પોલીસને મળેલી બાતમીને આધારે ચણવઇ નજીકથી પૂર ઝડપે પસાર થતી એક ઈનોવા કારને રોકી હતી. તપાસ કરતા કારમાંથી કંઈ મળી આવ્યું ન હતું. પરંતુ પોલીસની બાતમી પાકી હોવાથી પોલીસે કારની સધન તપાસ કરતા કારની છતમાં છૂપાવેલો રૂપિયા 2.65 લાખનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
ભેજાબાજ બુટલેગરોએ દારૂની હેરાફેરી માટે ઈનોવા કારની છતમાં ચોર ખાના બનાવ્યા હતા. આ જોઈને પોલીસ પણ દંગ રહી ગઈ હતી. પોલીસે કારની છતમાંથી દારૂ બહાર કાઢવા માટે કલાકો સુધી પરસેવો પાડ્યો હતો. કારની છત તોડીને તેમાંથી દારૂ બહાર કાઢતા પોલીસના નાકે દમ આવી ગયો હતો.
પોલીસે આ ગુનામાં રૂ. 2.65 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે સુરતના બે ભેજાબાજ બુટલેગરો મયુર વિસ્તૃત અને અજય સોલંકીની ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી દીધા છે. દારૂનો આ જથ્થો દમણથી સુરત લઇ જવામાં આવી રહ્યો હતો. આ રીતે રાજ્યમાં દારૂ ઘૂસાડવાની ભેજાબાજ બુટલેગરોની યુક્તિને વલસાડ પોલીસે નિષ્ફળ કરી લાખોનો દારૂ જપ્ત કર્યો હતો.