શહેરમાં કતારગામ વિસ્તારમાં એપાર્ટમેન્ટના પગથિયા પર અજાણ્યા વ્યક્તિએ 13 વર્ષની કિશોરીનો હાથ પકડ્યા બાદ તેના છાતીના ભાગે સ્પર્શ કર્યો હતો. કિશોરીએ ‘મમ્મી મમ્મી’ની બૂમો પાડતા અજાણ્યો ઇસમ ત્યાંથી નાસી ગયો હતો. આ મામલે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી પ્રમાણે સુરતના કતારગામ વિસ્તારમાં પીડિત બાળકીનો પરિવાર રહે છે. પરિવારની આર્થિક સ્થિતિ સામાન્ય છે. પરિવારમાં 13 વર્ષની કિશોરી જે ધોરણ-9માં અભ્યાસ કરે છે.
રવિવારે સવારે 10 વાગ્યે કચરાની ગાડી આવતા કિશોરી કચરો નાખવા માટે ઘર બહાર ગઈ હતી. કિશોરી કચરો નાખીને ઘરે પરત આવતી હતી ત્યારે એપાર્ટમેન્ટના પગથિયામાં અજાણ્યા ઇસમે કિશોરીનો હાથ પકડીને ‘તું ક્યાં રહે છે’ એવું પૂછીને તેની સાથે અડપલાં શરૂ કર્યાં હતાં.
આ સમયે ડરી ગયેલી કિશોરીએ મમ્મી મમ્મીની બૂમો પડાતા અજાણ્યો શખ્સ ત્યાંથી નાસી ગયો હતો. બાદમાં કિશોરી રડતાં રડતાં ઘરે ગઈ હતી અને તેની મમ્મીને સમગ્ર હકીકત જણાવી હતી. સાથે જ તેણે મમ્મીને હવેથી કચરો નાખવા બહાર નહીં જાય તેવું પણ કહ્યું હતું. જે બાદમાં એપાર્ટમેન્ટમાં અજાણ્યા શખ્સની શોધખોળ કરવામાં આવી હતી. આ મામલે કિશોરીની માતાએ અજાણ્યા ઇસમ વિરુદ્ધ કતારગામ પોલીસ સ્ટેશનમાં છેડતીની ફરિયાદ નોંધાવી છે.