તમારી આંખો કેવી રીતે ફરે છે, તેના પરથી વ્યક્તિનો સ્વભાવ જાણી શકાશે….

તમારી આજુબાજુ પાડોશમાં, કે પરિવારમાં કે પછી સાથે નોકરી કરતી અમુક વ્યક્તિઓ બહુ ઉતાવળી, એટલે કે ઉતાવળા સ્વભાવની હોય છે. આવી વ્યક્તિઓ કોની સાથે ક્યારે, કેવું વર્તન કરે તે કોઈ કળી ન શકે. આમ છતાં એક ખાસ પ્રકારના નિરીક્ષણના આધારે આવી વ્યક્તિઓના આવા ઉતાવળા સ્વભાવ વિશે જાણી શકાય. આ નિરીક્ષણ એટલે તેમની આંખોની હિલચાલ. જ્હોન્સ હોપકિન્સ યુનિવર્સિટી દ્વારા થયેલા સંશોધનની ‘જર્નલ ઓફ ન્યુરોસાયન્સ’માં પ્રસિદ્ધ થયેલી રસપ્રદ વિગતો કહે છે કે જે માણસોની આંખોની ગતિવિધિ બહુ ઝડપી હોય તેવા લોકો બહુ જ ઉતાવળા હોય છે.

આવા ઉતાવળા સ્વભાવનાં લોકો તેમના રોજબરોજના જીવનમાં અચાનક અને અણધાર્યા નિર્ણયો લે છે. વળી આવાં લોકો બહુ જ અધીરા હોય છે. કોઈ વાત કે ચર્ચા કે કાર્યમાં નિરાંત, શાંતિ, ધીરજ કે પાકટતા ન જોવા મળે. આ પ્રકારના સંશોધનાત્મક અભ્યાસમાં કુલ ૨૩ વ્યક્તિઓ પર વિવિધ પ્રકારનાં પરીક્ષણો કરાયાં હતાં. ત્યારબાદ તે પરીક્ષણોનાં તારણોનો અભ્યાસ કર્યો હતો. વળી કોઈ વ્યક્તિ એકસાથે એક કરતા વધુ વસ્તુઓ કે બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રયાસ કરે ત્યારે તેની આંખના ડોળાની ગતિવિધિ બહુ ઝડપી થઈ જાય છે. એટલે કે આવી વ્યક્તિની આંખો ચકળવકળ થતી હોય છે.

આ અભ્યાસનાં તારણો કહે છે કે જે વ્યક્તિઓ પર આ પ્રકારનાં પરીક્ષણો કરાયાં હતાં તેમની આંખોના ડોળાની ગતિવિધિ દ્વારા એમ જાણવા મળે છે કે તેમનું મગજ સંબંધિત સમયગાળામાં કઈ રીતે કાર્ય કરે છે. એકસાથે જુદી જુદી વસ્તુઓ અને બાબતોનું મૂલ્યાંકન કરવામાં કઈ રીતે કાર્ય કરે છે. આટલું જ નહીં, જે જે વ્યક્તિઓનાં ચક્ષુઓની ગતિવિધિ ઝડપી હોય છે તેઓ કોઈ વાત કે બાબતનો નિર્ણય લેવામાં જરાય રાહ જોવા ઈચ્છતાં નથી. તેઓને બધું બહુ જલદી જલદી જોઈતું હોય છે. આ અભ્યાસ ટુકડીના વડાએ એવો નિર્દેશ કર્યો હતો કે અમે એવા તારણ પર આવ્યા છીએ કે મગજનાં જ્ઞાનતંતુઓની યંત્રણા અમુક ચોક્કસ સમયગાળાનું તથા કેટલીક ગતિવિધિઓ કે બાબતો અથવા કાર્યો પર નિયંત્રણ મેળવવાનું મૂલ્યાંકન કરે તેની અને ત્યારબાદ આ સમગ્ર બાબતો પર ચોક્કસ નિર્ણય કરે તે બંને પરિસ્થિતિ વચ્ચે જરૂર મજબૂત કડી હોવી જોઈએ. આ વિશિષ્ટ અભ્યાસના આધારે એવું પણ જાણવા મળે છે કે સ્કિઝોફ્રેનિયા (પાગલપણાનો એક પ્રકાર) થી પીડાતી અને મગજની ઈજા પામેલી વ્યક્તિઓનાં બ્રેઈનમાં કેવી કેવી ચિત્રવિચિત્ર ગતિવિધિ થતી હોય છે. ઉપરાંત આવા લોકો કોઈ ચોક્કસ નિર્ણય લેવામાં શા માટે મુશ્કેલી અનુભવતાં હોય છે તે સમજી શકાય છે.

(Visited 143 times, 1 visits today)