કોંગ્રેસ / સોનિયા ગાંધી 25 ઓક્ટોબરે પાર્ટીના સીનિયર નેતાઓને મળશે, NCR પર ચર્ચા થશે: સૂત્ર

નવી દિલ્હી: કોંગ્રેસ સૂત્રોએ બુધવારે ન્યૂઝ એઝન્સીને જણાવ્યું છે કે, પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધી 25 ઓક્ટોબરે પાર્ટીના સીનિયર નેતાઓની મુલાકાત કરશે. આ દરમિયાન નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન્સ (એનઆરસી)ના મુદ્દે વિચાર-વિમર્શ કરશે. કોંગ્રેસ અધ્યક્ષ એનઆરસી મામલે પાર્ટીની એક લાઈન નક્કી કરવા માંગે છે.

તાજેતરમાં આરએસએસએ સમગ્ર દેશમાં એનઆરસીને લાગુ કરવાની માંગણી કરી હતી. સંઘનું કહેવું છે કે, આ પદ્ધતિથી જ દેશમાંથી ઘૂસણખોરોને બહાર કરી શકાશે. એવું માનવામાં આવે છે કે, આ નિવેદન આવ્યા પછી કોંગ્રેસ અધ્યક્ષે આ મામલે પાર્ટીનું સ્ટેન્ડ સ્પષ્ટ કરવાનો નિર્ણય કર્યો છે.

આ પેનલનું નેતૃત્વ સોનિયા ગાંધી કરશે
મહારાષ્ટ્ર અને હરિયાણામાં ચૂંટણી પછીની સ્થિતિ અને અન્ય રાજકીય મુદ્દા પર ચર્ચા કરવા માટે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ 17 સભ્યોની પેનલ બનાવી છે. ગુરુવારે મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામ જાહેર થયા પછી આ વિશે પહેલી બેઠક થવાની છે. આ પેનલનું નેતૃત્વ સોનિયા ગાંધી કરશે.

પ્રિયંકા ગાંધી વાડ્રા આ ગ્રૂપમાં સામેલ નથી
કોંગ્રેસની આ પેનલમાં પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, રાહુલ ગાંધી, અહમદ પટેલ, ગુલામનબી આઝાદ, એકે એંટની, મલ્લિકાર્જુન ખડગે, આનંદ શર્મા, જયરામ રમેશ, અંબિકા સોની, કપિલ સિબ્બલ, કેસી વેણુગોપાલ અને અધીર રંજન ચૌધરીને સભ્યો બનાવવામાં આવ્યા છે.પેનલમાં રણદીપ સિંહ સુરજેવાલા, જ્યોતિરાદિત્ય સિંધિયા, રાજીવ સાટવ અને સુષ્મિતા દેવ જેવા યુવા નેતા પણ સામેલ છે. જોકે સૂત્રોના જણાવ્યા પ્રમાણે એઆઈસીસી મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા આ પેનલમાં સામેલ નથી.

(Visited 48 times, 1 visits today)