જાણો નવરાત્રિમાં મેકઅપ ઉતારતા રાખશો આ વાતનું ધ્યાન….

પ્રશ્ન : નવરાત્રિના સમયે થાકીને આવ્યા બાદ મેકઅપ સાફ કરવાનો સૌથી સરળ રસ્તો કયો હોઈ શકે?

જવાબ : નવરાત્રિમાં ગરબે રમીને થાકીને આવ્યા બાદ મેકઅપ સાફ કરવાના પણ હોશ નથી રહેતા. જોકે મેકઅપ રિમૂવ તો કરવો જ પડતો હોય છે, નહીં તો ત્વચા પર તેની ખરાબ અસર જોવા મળે છે. તેને સાફ કરવા માટે દૂધમાં કોટન બોળીને કોટન વડે આખા ચહેરા પર ઘસીને મેકઅપ સાફ કરી લો. ત્યારબાદ તમે જે રેગ્યુલર ક્લિન્ઝર કે ફેસવોશ વાપરતાં હોવ તેના વડે ચહેરો સ્વચ્છ કરી લો. આ ખૂબ જ સરળ રીત છે અને આ રીતથી ચહેરો સારી રીતે સાફ પણ થઇ જાય છે.

પ્રશ્ન : મારી ઉંમર ૨૫ વર્ષ છે. મને નવરાત્રિમાં ગરબા રમવાનો ખૂબ શોખ છે, મારો સ્કિનટોન એકદમ ફેર છે. મને ડાર્ક લિપસ્ટિક કરવી ખૂબ ગમે છે. પણ નવરાત્રિમાં લિપસ્ટિકમાં બહુ પ્રોબ્લેમ થાય છે. ઘરેથી નીકળું ત્યારે ડાર્ક લિપસ્ટિક કરીને જાઉં છું પણ ત્યાં જઇને થોડો પરસેવો થતાં જ લિપસ્ટિક લાઇટ થઇ જાય છે. આવું ન થાય તે માટેના કોઈ ઉપાય જણાવો.

જવાબ : સૌપ્રથમ તો તમે લોંગ લાસ્ટિંગ મેટ ફિનિશિંગવાળી લિપસ્ટિકની ખરીદી કરો, તેનાથી ઘણો ફેર પડશે, અને જો તેમ છતાં પણ આ તકલીફ રહેતી હોય તો લિપસ્ટિક કરતાં પહેલાં હોઠ ઉપર ફાઉન્ડેશન લગાવી દો. ફાઉન્ડેશન લગાવીને પછી લિપસ્ટિક કરવાથી તે લાઇટ નહીં થાય અને તમે તેને રિમૂવ કરશો ત્યારે જ જશે.

પ્રશ્ન : મારી ઉંમર ૨૪ વર્ષ છે. મારી ત્વચા વધારે પડતી ડ્રાય છે, ડ્રાય ત્વચા ઉપર કેવા પ્રકારનો મેકઅપ કરવો જોઇએ? હું રૂટિન મેકઅપ ટિપ્સ જાણવા માંગું છું, મને પ્લીઝ જણાવશો.

જવાબ : બહુ ડ્રાય સ્કિન હોય તો તમારે તેને મોઇશ્ચરાઈઝ કરવાના પ્રયત્ન પણ કરવા જોઇએ. જેમ કે રોજે રાત્રે સૂતા પહેલાં સારા નાઇટ ક્રીમમાં વિટામિન-ઈની કેપ્સ્યૂઅલનું ઓઇલ મિક્સ કરીને તમે ચહેરા પર લગાવી શકો છો. આમ કરવાથી ચહેરાની ડ્રાયનેસ તો ઓછી થશે જ સાથે સાથે ત્વચા એકદમ ચમકીલી અને મુલાયમ બની જશે.

રહી વાત ડ્રાય સ્કિનમાં મેકઅપની તો તમે બેઝ અને થોડું ફાઉન્ડેશન લગાવીને કાજલ અને લિપસ્ટિક કરી શકો છો. રોજિંદા જીવનમાં આઇશેડો કે બ્લશર લગાવવાની જરૂર નથી હોતી. તમારે ડ્રાય સ્કિન હોવાને કારણે ક્યારેય કોમ્પેક્ટ ન લગાવવો. કોમ્પેક્ટ ડ્રાય સ્કિનવાળાને નથી સૂટ થતો. આવી નાની નાની બાબતોનું ધ્યાન રાખીને તમે રોજ મેકઅપ કરી શકો છો.

(Visited 24 times, 1 visits today)