ટુથબ્રશનું આયુષ્યથી અચંબિત થશો, જાણો અન્ય પ્રોડક્ટસની એક્સપાયરી અંગે માહિતી….

ગાદલાં : કેટલાક લોકોની આદત હોય છે, જ્યાં સુધી ઓશીકા-ગાદલાં સંપૂર્ણપણે ફાટી ન જાય ત્યાં સુધી તેને બદલતાં નથી. ગાદલાંની ઉંમર ૫-૧૦ સાલ હોય છે પણ નેશનલ સ્લિપ ફાઉન્ડેશનના અનુસાર જો આપને ૫-૭ વર્ષમાં જ સૂવામાં પરેશાની થઈ રહી હોય તો ગાદલાં બદલી નાખવા જોઈએ. એક અધ્યયનમાં જણાયું છે કે, જે લોકો દર પાંચ વર્ષે પોતાના ગાદલાં બદલે છે, તેમને પીઠદર્દની સમસ્યા ઘણી ઓછી થાય છે. તમે પણ જો પીઠના દર્દથી પરેશાન હોવ તો ધ્યાન આપો કે એનું કારણ ક્યાંય તમારું જૂનું ગાદલું તો નથી ને!!

કિચન સ્પોન્જ : મોટાભાગના લોકો વાસણ ધોયા પછી સ્પોન્જને વ્યવસ્થિત રીતે ધોતાં નથી અને સોપની ઉપર જ મૂકી દે છે અને જ્યાં સુધી ટુકડે ટુકડા ન થવા લાગે ત્યાં સુધી બદલતાં પણ નથી. હંમેશાં ભીનું રહેવાના કારણે કિચન સ્પોન્જમાં બેક્ટેરિયા બહુ ઝડપથી પેદા થાય છે. સ્પોન્જને હંમેશાં ધોઈને સૂકી જગ્યા પર રાખો. હેલ્ધી રહેવા ઇચ્છતા હોવ તો તેને દરરોજ ગરમ પાણીમાં સાફ કરો અને દર અઠવાડિયે સ્પોન્જને બદલો.

પ્લાસ્ટિકના વાસણો : પ્લાસ્ટિકના વોટર બોટલ્સ, લંચબોક્સ, મગ વગેરેને દર છ મહિને બદલી નાખવા જોઈએ, કેમ કે અમુક સમય બાદ પ્લાસ્ટિક ટોક્સિક થવા લાગે છે, જે આપણા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. જો શક્ય હોય તો સ્ટેનલેસ સ્ટીલની વોટર બોટલનો ઉપયોગ કરો.

પર્સનલ કેર પ્રોડક્ટ્સ
ટૂથબ્રશ : સામાન્ય રીતે ટૂથબ્રશની આવરદા ૩-૪ માસ જ હોય છે પણ મોટાભાગના લોકો ત્યાં સુધી એનો ઉપયોગ કરે છે. જ્યાં સુધી તેના રેસાં પહોળાં થઈને ફેલાઈ ન જાય. રેસા થોડા પહોળા થવાથી તે દાંતની સફાઈ વ્યવસ્થિત રીતે કરી શકતા નથી, જેથી દાંત અને પેઢાંની સમસ્યા થવા લાગે છે.

રેઝર : કોઈ પણ રેઝર (બ્રાસ કે પિત્તળનું)થી ૧૦-૧૨ માસ શેવ કરીને તેને ફેંકી દેવું જોઈએ. જો રેઝરના ઉપયોગ પછી ત્વચામાં બળતરા અને ખૂજલી મહેસૂસ થઈ રહી હોય તો તેને તરત જ બદલી નાખો.

સાબુ : મોટાભાગના લોકોને એ સરતચૂક થઈ જાય છે કે, સાબુની એક્સ્પાયરી ડેટ જ નથી હોતી. જોકે દરેક ચીજવસ્તુની માફક એની પણ એક્સ્પાયરી ડેટ હોય છે. કોઈ પણ સાબુ ૧૮ મહિનાથી લઈને ત્રણ વર્ષ સુધી જ ચાલે છે. એક્સ્પાયરી ડેટ પછી સાબુનો ઉપયોગ કરવાથી શરીરમાં દાણા નીકળવાની સાથોસાથ ખૂજલીની સમસ્યા થઈ શકે છે.

શેમ્પૂ અને કન્ડિશનર : શેમ્પૂ અને કન્ડિશનરની બોટલ પર તેની એક્સ્પાયરી ડેટ લખેલી હોય છે, જે જોઈને જ શેમ્પૂ કે કન્ડિશનર ખરીદો. સામાન્ય રીતે એ બંને ૨-૩ વર્ષ સુધી તો વારરી શકાય જ છે.

એન્ટિ બેક્ટેરિયર ક્રીમ : કોઈ પણ એન્ટિ બેક્ટેરિયલ ક્રીમ ૧ વર્ષ પછી ફેંકી દેવું જોઈએ. જોકે એક વર્ષ પછી પણ એન્ટિ બાયોટિક ખરાબ નથી થતું, પણ ક્રીમમાં ભેળવેલા બાકીના કેમિકલ્સ ખરાબ થઈ જઈ શકે છે, જેથી પ્રોડક્ટ્સ ઓછી અસરકારક બની જાય છે.

ખાણી-પીણીની ચીજો

ખાણી-પીણીની ચીજોની એક્સ્પાયરી ડેટને બહુ ધ્યાનથી જોવી જોઈએ. એ પછી પણ જો ભૂલથી ખાઈ લીધી હોય અને કાંઈક અલગ મહેસૂસ થતું હોય તો તરત જ ડોક્ટરને બતાવો.

ચોકલેટ : ચોકલેટ્સની આવરદા બહુ લાંબી હોય છે. ચોકલેટ્સને તમે દોઢ-બે વર્ષ સુધી ઉપયોગમાં લઈ શકો છો. ક્યારેક ચોકલેટ પર સફેદ ધબ્બાં દેખાઈ દે છે, તો એનો મતલબ એ નહીં કે એ ખરાબ થઈ ગઈ છે, બલકે ગરમીના કારણે એમ થયું છે. મિલ્ક ચોકલેટને બદલે ડાર્ક ચોકલેટ વધારે દિવસો સુધી સેફ રહે છે.

પેક્ડ જ્યૂસ : ક્યારેય પણ પેક્ડ જ્યૂસ ખરીદતાં પૂર્વે તેની એક્સ્પાયરી ડેટ ચેક કરી લો. વધુમાં વધુ લેટેસ્ટ પેક જ લો, અગર પેક ફૂલેલું જણાય તો તેનો ઉપયોગ ન કરો, કેમ કે જ્યૂસ ખરાબ થયો હોય તો આમ થયું હોય છે. ખૂલેલા પેકને ૭-૧૦ દિવસની અંદરોઅંદર ખતમ કરી દેવું યોગ્ય રહેશે.

ટોમેટો કેચઅપ : જો કેચઅપની બોટલ ઓપન થ.લી ન હોય તો એક વર્ષ સુધી તેને ઉપયોગમાં લઈ શકો છો પણ જો બોટલ ખુલ્લી હોય તો વધુમાં વધુ ૪-૫ મહિનામાં પૂરી કરી દો. કેટલીક વાર સમય કરતાં પૂર્વે જ કેચઅપનો રંગ ફિકો પડી જાય છે, પણ એ ખરાબ નથી થયો હોતો, તાપમાનને કારણે રંગ ફિકો પડી જાય છે, એટલે તમે તેનો ઉપયોગ કરી શકો છો.

વિટામિન ટેબ્લેટ્સ : જો તમે વિટામિન ટેબ્લેટ્સ લેતા હોવ તો કોશિશ કરો કે કોઈ પણ વિટામિનની ગોળી બે વર્ષ પૂર્વે ખતમ કરી નાખો. એ પછી એની અસર ઘટી જાય છે.

બ્યૂટી પ્રોડક્ટ્સ : બ્યૂટી પ્રોડક્ટ્સની અસર સીધી જ ચહેરા પર પડે છે ને દેખાઈ આવે છે, એટલા માટે બ્યૂટી પ્રોડક્ટ્સ ખરીદતી વખતે જરાક પણ ગફલત ન થાય તે જોશો. બ્યુટી પ્રોડક્ટ્સની એક્સ્પાયરી ડેટ આ મુજબ છે. (૧) લિપસ્ટિક-૧ વર્ષ, (૨) ફેસ પાઉડર-૧ વર્ષ, (૩) મસ્કારા-ત્રણ માસ, (૪) કંસીલર-છથી ૮ માસ, (૫) ફેસિયલ ક્લીન્ઝર અને મોઈૃરાઈઝર-૬ માસ, (૬) ફેસિયલ ટોનર-૧ વર્ષ, (૭) બોડી લોશન-૨થી ૩ વર્ષ (જો પંપ કન્ટેનરમાં હોય તો), (૮) ડિયોડરન્ટ/પરફ્યૂમ-૨ વર્ષ, નેલ પોલિશ-૧ વર્ષ, (૧૯) હેર સ્ટાઈલિંગ પ્રોડક્ટ્સ-૩થી ૫ વર્ષ, (૧૧) આઈ પેન્સિલ-૩થી ૫ વર્ષ (દર અઠવાડિયે આઈ પેન્સિલ શાર્પ કરો કે ક્લિન કરો, જેથી ઇન્ફેક્શનનો ભય ન રહે), (૧૨) લિક્વિડ આઈ લાઈનર-૩થી ૪ મહિના (૪ મહિને બદલો, જેથી આંખોમાં કોઈ પ્રકારનું કોઈ ઇન્ફેક્શન ન પેદા થાય).

એક્સાયર્ડ દવાઓની સાઈડ ઇફેક્ટ્સ : દવાઓ પર એક્સ્પાયરી ડેટ એટલા માટે લખવામાં આવે છે, કેમ કે એ સેફ પિરિયડ હોય છે અને તમે કોઈ ચિંતા ગર તે દવા લઈ શકો છો. એક્સ્પાયર્ડ દવાઓ ખાવાથી સાઈડ ઇફેક્ટ્સ થાય જ, એ જરૂરી નથી પણ એની શક્યતાઓ રહે છે.જો આપને લાગતું હોય કે દવાઓ હજુ એક્સ્પાયર્ડ નથી થઈ પણ એનો રંગ બદલાઈ ગયો છે તો તેને ન લેવી એ જ ઉત્તમ છે, કેમ કે એક્સ્પાયરી ડેટની પહેલાં પણ દવાઓ એક્સ્પાયર્ડ થઈ શકે છે. એ ઉપરાંત આ અંગે તમે તમારા ડોક્ટરની સલાહ પણ લઈ શકો છો. દરેક ડોક્ટરની એ જવાબદારી છે કે તેઓ પોતાના દર્દીઓને એ સલાહ આપે કે એક્સ્પાયરી ડેટ ચેક કર્યા વગર કોઈપણ દવા ન લો.

(Visited 86 times, 1 visits today)