ગાંધીજયંતી નિમિતે ગાંધી વિચારોને જીવંત કરવા શ્રદ્ધા એજયુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટે પ્રામાણિકતાની દુકાન ખોલી હતી. જેમાં કોઇ વેપારી ન હતાં. લોકોએ જાતે જ વસ્તુની ખરીદી કરી તેની કિંમત શુલ્ક પેટીમાં નાખવાની હતી. પરંતુ આ સરાહનિય પ્રયાસને લોકોની લાલચુ વૃત્તિએ અવગણ્યો હોય તેમ સત્યનો પ્રયોગ કરવા પાછળ સંસ્થાને 85,000 રૂપિયાની ખોટ પડી.
પ્રમાણિકતાની પરિક્ષામાં જામનગરને ઝીરો માર્ક
પ્રામાણિકતાની પરીક્ષામાં જામનગર નાપાસ થયું. જે જામનગરવાસીઓ વગર પૈસે ખરીદી કરી લીધી તેમને આ વાત લાગુ પડે છે.. શ્રદ્ધા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટને સત્યનો પ્રયોગ ભારે પડ્યો. વાત એમ છે કે પ્રામાણિકતાની આ દુકાનમાં ઘરગથ્થુ વસ્તુઓ, ઇલેકટ્રોનિક ચીજવસ્તુ, પુસ્તકો, કપડા વગેરે ડિસ્કાઉન્ટના ભાવે રાખવામાં આવ્યા હતાં. આ પ્રામાણિકતાની દુકાનમાં કોઈ વેપારી ન હતાં. લોકો જે વસ્તુ ખરીદે તેના પૈસા લોકોએ જાતે જ શુલ્ક પેટીમાં નાખી પ્રામાણિકતાનું ઉદાહરણ પૂરું પાડવાનું હતું. પરંતુ તેમાં કેટલાક લાલચુવૃત્તિ ધરાવતા લોકોને કારણે સંસ્થાને કડવા અનુભવો પણ થયા.
લોકોએ ધડાધડ ખરીદી કરી લીધી
પ્રામાણિકતાની દુકાનમાંથી લોકોએ વસ્તુઓ ધડાધડ લીધી હતી. દરેક વસ્તુઓ પણ કિંમત દર્શાવવામાં આવી હતી. પરંતુ કેટલાક એવા લોકો હતાં જેમણે કિંમત કરતાં ઓછા પૈસા પેટીમાં નાંખીને અપ્રામાણિકતાનું પોત પ્રકાશ્યું. રૂ.1,42,000ની ખરીદી સામે લોકોએ શુલ્ક પેટીમાં માત્ર 56,270 નાંખતા આયોજકોને રૂ.85000ની ખોટ ગઈ. આયોજકોએ સારા વિચાર તો સારો હતો. પરંતુ કેટલાક લોકોની મનોવૃત્તિ સારી ન જોવા મળી. પ્રામાણિકતાનો પ્રયોગ સફળ ન થતાં આયોજકો નિરાશ થઈ ગયા.