ભુજઃ ભારત સરકારના પર્યટન મંત્રાલયે દેશની 12 આઇકોનિક સાઇટ્સ સહિતના પ્રવાસન સ્થળો માટે નિશુલ્ક ઓડિઓ ગાઇડ સુવિધા ઉપલબ્ધ કરાવશે. તેવી પર્યટન વિભાગે જાહેર કરી છે. જેમાં કચ્છના ધોળાવીરાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જેનાથી આગામી સમયમાં પ્રવાસીઓને ફાયદો થઇ શકશે. હજારો વર્ષ પુરાતન ધોળાવીરા શહેરના વિવિધ ભાગો અંગે સામાન્ય પ્રવાસી અહીં આવીને પણ તેની માહિતીથી વંચિત રહી જાય છે. તેઓને હવે ફાયદો થશે. ચાલુ વર્ષે દેશવ્યાપી “પર્યતન પર્વ 2019” ના ભાગરૂપે પર્યટન મંત્રાલય ડીજીની ઉપસ્થિતિમાં, એએસઆઈ ઉષા શર્માએ ભારતની 12 સાઇટ્સ (આઇકોનિક સાઇટ્સ સહિત) માટે ઓડિઓ ગાઇડ સુવિધા માટેની Audio odgos નામની એપ લોંચ કરી હતી. ખાનગી કંપની સાથે સરકારે એમઓયુ કરી આ સુવિધા શરૂ કરી છે. પર્યટન મંત્રાલયની ‘ધરોહર અપનાવો, અપણી ધરોહર આપણી ઓળખ’ યોજના અંતર્ગત કામો કરાઇ રહ્યા છે.
આ યોજના હેઠળ પર્યટન મંત્રાલય, ભારતીય પુરાતત્વીય સર્વેક્ષણ (એએસઆઈ) અને રાજ્ય સરકારો / યુટી પ્રશાસન વચ્ચે સહયોગી પ્રયાસ કરાઇ રહ્યા છે. તેવી જ રીતે પ્રવાસીઓના ફાયદા માટે આ ઓડિઓ ગાઇડ એપ શરૂ કરી છે. આ એપથી ઓડિઓ-વિઝ્યુઅલ્સ અને વોઇસ ઓવર સપોર્ટ સાથે ભારત સરકારની ચકાસણી કરેલી સામગ્રી પ્રદાન કરશે. શ્રોતાઓને ઇતિહાસનાં વિવિધ સંસ્કરણો સાંભળવા મળશે. ભારત સરકારે જાહેર કરેલા 12 આઇકોનિક સ્થળોને આ એપમાં સમાવેશ કરાશે. જેમાં ગુજરાતના ધોળાવીરા અને સોમનાથનો સમાવેશ થાય છે. હાલ આ એપમાં દિલ્હી અને આગ્રાના તમામ સ્થળોને આવરી લેવાયા છે. ભવિષ્યમાં બીજા શહેરોનો સમાવેશ કરાશે.
તમે કોઇ ઐતિહાસિક સ્થળોએ જઓ ત્યારે ત્યાંની અનેક રચના અને સ્થાપત્યોની મહત્વની જાણકારી હોતી નથી. જેના પગલે ત્યાંના સ્થાનિક ગાઇડ લોકોને માહિતી આપે છે. પરંતુ તમામ લોકો ગાડઇને લઇ શકતા નથી. તો વિદેશી પ્રવાસીઓને ભાષાની મર્યાદા નડે છે. તેથી અનેક સ્થળોએ સરકાર દ્વારા આ ઓડિયો ગાઇડની સુવિધા કરાઇ છે. ત્યાં ફી આપીને ઓડિયો ગાઇડની સુવિધા અપાય છે. જોકે આ નવી એપમાં નિશુલ્ક ગાઇડની સુવિધા અપાશે.